ચાંદોદ ના પ્રખ્યાત મંદિરો

ચાંદોદ ના પ્રખ્યાત મંદિરો
Posted May 17, 2019

કપિલેશ્વર મહાદેવઃ
નર્મદા તટ પાસે સ્નાન ઘાટ અને કરનાળી જવાના માર્ગે કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિરનો અનેકવાર જીણોદ્ધાર થયો છે. કશ્યપઋષિના પુત્ર કપિલજીએ આ ક્ષેત્ર સર્વ સિદ્ધિ દેનારું જણાતાં તેમણે સૂકાં પાંદડાં ખાઈને અહીં તપ કર્યું હતું અને તેમણે અહીં કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.

ત્રિકમજીનું મંદિરઃ
કપિલેશ્વર મહાદેવથી થોડા અંતરે ત્રિકમજીનું મંદિર આવેલું છે. ટેકરી ઉપર બગીચામાં હવેલી જેવા પાકા અને મોટા મકાનમાં આ મંદિર આવેલું હોવાથી અંદર જઈએ ત્યારે જ અહીં મંદિર છે તે જાણી શકાય. થોડાં પગથિયાં ચડી મંદિરના ચોકમાં પહોંચાય છે. ત્રણ તરફ મોટી ઓસરી અને વચ્ચે ચોક છે.
ત્રિકમજી- વિષ્ણુ ભગવાનનું મંદિર છે, પરંતુ અહીં તે ત્રિકમજીની હવેલી તરીકે ઓળખાય છે. મંદિરના યુવાન ગાદીપતિ શ્રી ભરતદાસજી મંદિરનું સંચાલન કરે છે. આ ક્રાંતિકારીઓની ભૂમિ હોઈ શ્રી ભરતદાસજીના વિચારો પણ ક્રાંતિકારી લાગ્યા. ત્રિકમજી મંદિર પૌરાણિક છે જેમાં ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે છે. અહીં વિષ્ણુદાસજી મહારાજ થઈ ગયા જે સિદ્ધ મહાત્મા હતા. માં આનંદમયી માતા આ સ્થળે રહી ગયાં છે. ઉપરાંત રામરત્નજી મહારાજ જેમને હનુમાજીનો ચમત્કાર થયો હતો, તેનાથી આ જગાનું મહત્ત્વ વધ્યું હતું.
અહીં રોજ સોએક લોકોની રસોઈ થાય છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, સ્કૂલ, અન્નક્ષેત્ર ચાલે છે. મંદિરમાં વૈષ્ણવોના તમામ ઉત્સવો ઊજવાય છે.જન્માષ્ટમી,શ્રાદ્ધ પક્ષ તથા અધિક માસમાં બહારા ગામથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. મંદિરની ઓસરીમાં અનેક તપસ્વીઓના ફોટાઓ મૂકવામાં આવ્યા છે, જેમણે અહીં તપ- ધ્યાન અને પૂજા- અર્ચન કરીને સિદ્ધિ હાંસલ કરી હતી.

ગંગનાથ મહાદેવઃ
ચાણોદ થી ગંગનાથ જવા માટે બે રસ્તા છે. એક તો નદીમાં જ હોડી દ્વારા ગંગનાથ મહાદેવ પહોંચાય છે અને બીજો રસ્તો ચાણોદ દરવાજી પાસેથી જાય છે, જયાં વાહન લઈને સીધા જ મંદિરમાં જઈ શકાય છે. ગંગનાથ મહાદેવની પૌરાણિક કથા એવી છે કે ગંગાજીએ પંચપાતક (પાંચ પાપ) માંથી મુકિત મેળવવા સફેદ વાછરડીનું રૂપ ધારણ કરી અહીં સ્નાન કર્યું હતું અને શિવજીની કૃપા મેળવી પાપ મુકત થયા હતા અને ગંગાનાથ મહાદેવની સ્થાપના કરી હતી.
આ સ્થાનકમાં ઉચ્ચ કોટિના સંતશ્રી બ્રહ્માનંદજી થઈ ગયા.
ગંગનાથ મહાદેવના ગાદીપતિ શ્રી ગણેશાનદંજી પણ ખૂબ વદ્ધ છે. તેમણે માહિતી આપી કે બ્રહ્માનંદજી ભારતને આઝાદ કરાવવા કટિબદ્ધ થયા હતા. તેમણે બંગાળામાં જઈને બાલાત્રીપુર સુંદરી વિદ્ધાની સાધના કરી. સિદ્ધિ મેળવ્યા બાદ અંગ્રેજોને બંગાળમાં હંફાવ્યા. ત્યાર બાદ મહારાષ્ટ્રનાં રજવાડાંઓનું સંગઠન કર્યું હતું. ત્યારબાદ પેશવા સાહેબના મંત્રી સાથે ગુજરાતમાં આવ્યા હતા. તેઓ ગંગનાથ મહાદેવની જગ્યા પાસે આશ્રમ બાંધી ક્રાંતિકારીઓ સાથે સંપર્ક સાધી અહીં ગુપ્ત મંત્રણાઓ કરી યોજના બનાવતા હતા. તેમની સાથે તાત્યા ટોપે પણ અહીં આવીને રહ્યા હતા. તેમણે અહીં રાજકારણના પણ પાઠ ભણાવતા હતા.
અરવિંદ ઘોષ અહીં બ્રહ્માનંદજી પાસે યોગ શીખવા આવતા હતા. કાકા કાલેલકર પણ બ્રહ્માનંદજી શિષ્ય હતા. અંગ્રેજોએ ક્રાંતિકારી પ્રવૃત્તિના સૂત્રધારને શોધી કાઢવા કડક આદેશો બહાર પાડયા હતા. એક શિષ્ય લીલીએ જાણ કરતાં અંગ્રેજોની સેના ગંગનાથ આશ્રમમાં આવી પહોંચી હતી અને આશ્રમનો કબજો લઈ લીધો હતો, છતાં કોઈ ક્રાંતિકારી તેમના હાથ આવ્યા ન હતા. આ મંદિર પર 66 વર્ષ સુધી અંગ્રેજોનો કબજો રહ્યો હતો.
ત્યાર બાદ બ્રહ્માનંદજી શિષ્ય કેશવાનંદજી ગોધરા કોર્ટમાં કેસ કરતાં અંગ્રેજો કેસ હારી ગયા અને કેશવાનંદજીને મંદિરનો કબજો મળ્યો હતો. અંગ્રેજો મંદિરનો કબજો છોડતા પહેલાં અહીંની લાઈબ્રેરીના યોગને લગતાં અને બીજાં અન્ય કિમતી અલભ્ય પુસ્તકો સાથે લેતા ગયા. આઝાદી પછી આ પુસ્તકો લંડનની લાઈબ્રેરીમાં હોઈ તે પરત મેળવવા માગણી કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને અર્ધાં પુસ્તકો માટે દાવો રજૂ કરતાં ભારતે આ પુસ્તકો લંડની લાઈબ્રેરીમાં રહે તે વધુ ઉચિત માન્યું અને માગણી પડતી મૂકી હતી.
ગણેશાનંદજીએ જણાવ્યું કે આ મંદિર ની 1200 એકર જમીન હતી, પરંતુ દેશ આઝાદ થયા બાદ ગણોતધારો આવતાં તમામ જમીન ગણોતિયાઓને આપવામાં આવી.
ગંગનાથ મહાદેવના મંદિર પાસે જ વિશાળ ધર્મશાળા, લાઈબ્રેરી, સાધનાખંડ, ભોજનાલય,વગેરે આવેલાં છે.
ભક્તો દ્વારા તમામા સુવિધાઓ સાથેનું નવું મકાન તૈયાર કરવામાં આવ્યું છે.અહીં સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી છે. શાંત વાતાવરણ અને વૃક્ષોની ઠંડક મોહક છે. મંદિરના પરિસર માંથી જ નીચે નદીકિનારે જઈ શકાય છે. ચાણોદની યાત્રાએ જતા યાત્રિકો ગંગનાથ જવાનું ભૂલવા કે ટાળવા જેવું નથી.

બદ્રિકાશ્રમઃ
ગંગનાથ થી આગળ દોઢેક કિ.મી. જતાં નંદેરિયા ગામ આવે છે. નંદેરિયા ગામના કિલ્લા જેવા દેવસ્થાન મંદિરથી વળી થોડો કાચો રસ્તો પાર કરીએ એટલે બદ્રિકાશ્રમ આવે છે.
થોડાં પગથિયાં ચડી બદ્રિકાશ્રમ મંદિરે પહોંચાય છે. આ અર્વાચીન મંદિર હોઈ ત્રણ માળમાં મંદિર આવેલું છે. નીચે ગુફા (ભોંયરા)માં મહાલક્ષ્મીજીનું મંદિર આવેલું છે. પહેલા માળે ભગવાન વિષ્ણુંનું મંદિર છે અને ઉપર ૐ સોહમનું યંત્ર અને શિવાલય આવેલું છે.
બદ્રિકાશ્રમનું મહત્ત્વ માર્કન્ડ પુરાણમાં આપેલું છે. આ જગાને નરનારાયણ તીર્થ પણ કહેવાય છે. હિમાલયના બદ્રિકાશ્રમે તપશ્વર્યા કર્યા બાદ નરનારાયણે અહીં નર્મદાતટે આવીને તપશ્વર્યા કરી હતી, જેથી અહીં હિમાલયના બદ્રિનાથ જેટલું જ પુણ્ય મળે છે.
અહીં શિવરાત્રી તથા શ્રાવણ માસમાં દર્શનાર્થી ઓની વિશેષ ભીડ રહે છે. શ્રાવણ માસ તથા અધિક માસમાં અહીં ભાગવત સપ્તાહ તથા રામાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. શિવરાત્રી તથા નવરાત્રીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અહીં દિવસ દરમિયાન ત્રણ બસની સુવિધા છે. મંદિરની ખેતી માટેની કોઈ જમીન નથી,પરંતુ નાનકડો બગીચો છે. અહીં અન્નક્ષેત્ર ચાલે છે. પરિક્રમ વાસી સાધુસંતોને તૈયાર ભોજન આપવામાં આવે છે, જયારે ગૃહસ્થીઓને રસોઈ કરવા દાળ લોટ વગેરે આપવામાં આવે છે.

અનસૂયાજીનું મંદિરઃ
અનસૂયાજીનું મંદિર ચાણોદ તીર્થ ક્ષેત્રમાં જ આવે છે, પરંતુ ત્યાં પહોંચવા માટે ચાણોદથી હોડી દ્વારા જવું પડે અને થોડું ચાલવું પડે તેમ છે. વાહન દ્વારા છેક મંદિરે પહોંચવા માટે ચાણોદથી પરત ડભોઈ–શિનોર માર્ગ ઉપર આવવું પડે. શિનોર તરફ જતાં મોટા ફોફળાથી પાંચ કિ.મી. ઝાંઝડ ગામ આવે છે.
આ પાંચ કિ.મી.નો રસ્તો ખૂબ જ ખરાબ છે. ઝાંઝડથી અર્ધો-એક કિ.મી. કાચા રસ્તે મહાસતી અનસૂયાજીના મંદિરે પહોંચી શકાય છે.
આ મંદિર નીચાણમાં આવેલું છે. આસપાસ વૃક્ષોની ઠંડક છે.
અહીં દત્તાત્રેય મંદિર પણ બાજુમાં આવેલું છે. આ દત્તાત્રેય મંદિર દ્વારા લક્ષ્યચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનસૂયાજીનું મંદિર પૌરાણિક છે. પૂજારીએ પૌરાણિક ઇતિહાસ કહ્યો છે. કદમ મુનિની અને અત્રિમુનિનાં પત્ની અનસૂયાજીએ દેવપુત્રની માતા બનવાનો નિર્ધાર કર્યો હતો.
તેમણે ચિત્રકૂટમાં તપ કર્યું. પરંતુ ઇચ્છિત ફળ ન મળ્યું, જેથી તેઓ અહીં નર્મદાજીના કિનારે આવ્યાં. અહીં જપ-તપ અને અતિથિ સત્કાર તથા પતિ ભકિત કરી. અનસૂયાજીના તપનો પ્રભાવ એકદમ વધવા લાગ્યો. ઇન્દ્રરાજાને તેમનું રાજય છીનવાઈ જવાનો ભય લાગતાં, નારદજીને અનસૂયાજીના તપભંગ માટે કહ્યું. નારદજીએ ત્રણ દેવીઓને લક્ષ્મી,પાર્વતી અને સરસ્વતીને- અનસૂયાજી ત્રણ દેવીઓ કરતાં મહાન સતી છે
તેમ કહી તેમની પરીક્ષા માટે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મજબૂર કર્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અનસૂયાજી પાસે ભિક્ષા માગવા આવ્યા. અનસૂયાજી ભિક્ષા આપવા આવ્યાં ત્યારે આ ત્રણે બ્રાહ્મણો એ શરત કરી કે નિર્વસ્ત્ર ભિક્ષા આપે તો જ અમે સ્વીકારીએ. ધર્મસંકટમાં મુકાયેલાં અનસૂયાજીએ પોતાના તપ વડે ત્રણ બ્રાહ્મણોને નાના બાળક બનાવી તેમની માતા બની ક્ષુધા સંતોષી. છ માસ સુધી આ ત્રણે દેવતા બાળક સ્વરૂપે રહેતાં ત્રણે દેવીઓને છ માસ સુધી ઉપવાસ કરવો પડયો. આખરે તેમના પતિની ભાળ મળતાં અનસૂયાજી પાસે બ્રાહ્મણ પત્નીના વેશે ભિક્ષા માગવા આવ્યાં.
તેમણે ભિક્ષામાં તેમના પિતાની માગણી કરી. અનસૂયાજીએ ત્રણે બાળકો લાવી પોતપોતાના પતિને ઓળખીને લઈ જવા કહ્યું. પરંતુ બાળસ્વરૂપે રહેવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આ દેવીઓ ઓળખી શકી નહીં. ત્યારે ત્રણે બ્રાહ્મણ વેશે આવેલી દેવીઓએ પોતાનું મૂળ સ્વરૂપ ધાર કરી અનસૂયાજીની ક્ષમા માંગી. તેમના પતિને અસલ સ્વરૂપમાં લાવવા વિનંતી કરી.
અનસૂયાજી પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું, ત્યારે અનસૂયાજીએ ત્રણે દેવતાઓને તેમના પુત્ર બની રહેવાની માગણી કરી. જેથી અત્રિ ઋષિની આંખમાંથી જ્યોતિ સતીમાં પ્રવેશી અને બ્રહ્માએ ચંન્દ્ર રૂપે, વિષ્ણુએ દત્ત રૂપે અને મહેશે દુર્વાસા રૂપે સતીને ત્યાં અયોનીજ જન્મ ધર્યા અને ત્રિમુખ સ્વરૂપે દર્શન આપ્યું.
અહીં 10 વર્ષ સુધી સખત દુષ્કાળ પડ્યો, ક્યાંય પાણી મળતું નહોતું, ત્યારે અત્રિ ઋષિએ મહાસતી અનસૂયાજી પાસે પાણી માંગ્યું. ત્યારે અનસૂયાજીએ અહી ગંગાજી પ્રગટ કર્યા હતાં. અને ઋષિની તરસ છિપાવી હતી. આજે પણ મંદિરની સામે જ ગંગાકુઈ છે. પહેલા અહી વાવ હતી. પાણી ઊંડુ રહેતું હોવાથી તેને કુઈ બનાવી છે. પૂજારીએ જણાવ્યું કે ચૈત્ર સુદી પૂનમે અહી માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. આ દિવસે સોળ હાથની સાડી અને અનેક કિંમતી આભૂષણો માતાજીને શણગાર ચઢે છે. આભૂષણો વડોદરા ટ્રેઝરીમાં રહે છે.
આ મંદિર નીચાણમાં આવ્યું હોવાથી ચોમાસામાં નદીનું પાણી મંદિરમાં ધસી આવે છે.