ર્મદાને કાંઠે
નર્મદા નદીમાં કમર સમાના જળમાં
ત્રાંબાના લોટાથી તારું તને જ અર્પણ કહીને
જળની ધારા કરતો
જનોઈ ધારી દ્વિજ પોતાના પાછલા
અને આગળ આવનારા ભવની ચિંતામાં
એટલે પડે કે
તેના પગ તળેની રેતી ધીમેધીમે
સરી રહી હોતી લાગે, ને
સવારનો સૂરજ પણ પાછા પગે
સરી જતાં કશા સંકેત કરતો હોય તેમ લાગે
તેની પહોળી થઈ ગયેલી આંખો, ને
સર્કસના જોકરના હોય છે તેવા
ચહેરાની સીમા વટાવી ગયેલા હોઠ
તમને જરા પણ હસાવી ના શકે
નર્મદાના પાણીમાં પગ રાખીને તમે
બે જગતના વિચારોમાં અટવાઈ જાવ
તો વૈતરણી તરી જવા માટે
તમારે નજીકની ગૌ શાળામાંથી
વંડી ઠેકીને ભાગી આવેલી કોઈ ગૌ માતાની
પુચ્છનો સહારો લેવો જ પડે
તરણી તરવા કરવા કરતાં
નર્મદાના છીછરા જળમાં
છબછબિયાં કરવામાં, કે
કાયમ મોડી ઊપડતી
સાંજની બસ પકડીને ઘેર પાછા ફરવામાં
કશું ય ખોટું નથી
નર્મદાને તીરે જ એ બધું સમજાય
એવું તે કેમ હશે બળ્યું ?