સ્થળનું મહાત્મ્ય તો એ એ જગ્યાએ જઈને દર્શન કરીએ તો જ સમજાય. ચાણોદ એટલે મંદિરોનું નગર.
ચાણોદ એટલે પરંપરાને જીવિત રાખતું નગર.
ચાણોદ એટલે પવિત્ર નર્મદા નદીની છાલકોથી મંદિરોને પતિતપાવન કરતું નગર.
ચાણોદ એટલે નાવિકોની જીવાદોરી.
ચાણોદ એટલે રમણીયતા.
ચાણોદ એટલે આસ્થાને સજીવ કરતુ નગર.
એ જરૂરી નથી કે દરેક સ્થાન પૌરાણિક કે ઐતિહાસિક જ હોય, ક્યારેક કયારેક એની ધૂળ, નદીનું પાણી,
મંદિરોમાં જળવાતી આપણી પરંપરા અને પ્રથા
ત્યાંની ધૂળને માટી
અને
ત્યાંના માણસો તથા ત્યાના રીવાજો
ઘણું બધું બયાન કરી જતાં હોય છે !!!!
આ સ્થળ પેહલા ચંડીપુર તરીકે જાણીતું હતું. કાળક્રમે તે ચાણોદ અને ત્યારબાદ ચાંદોદ થયું છે.
આ ગામ એ ટેકરીઓ પર વસેલું છે.
નર્મદા મૈયા ના ઉત્તર તટે આવેલ ચાંદોદ પુરાતન કાળ થી ઉત્તમ તીર્થ મનાય છે.
મૈયાજી ની મીઠી ગીરી કંદરા માં વસેલ ચાંદોદ કયારેક માતા ના પુનીત સ્પર્શથી પાવન થઈને અનહદ ધન્યતા પ્રાપ્ત કરે છે, તો ક્યારેક રુદ્ર્દેહા નર્મદા નો પ્રચંડ પ્રકોપ વહોરીને તારાજી પણ અનુભવે છે,
તો પણ ચાંદોદનગરી મૈયા નર્મદા ! નર્મદે હર ! કે જય નર્મદા ! ના આત્મીયભાવો થી વધુ ને વધુ ભાવમય બને છે. આ નગર ની પ્રજા નર્મદા મૈયા ના ચરણોની રજ પામી કે તેના પવિત્ર જળમાં સ્નાન કરીને પણ ભાગ્યશાળી બને છે.
દરમાસ ની પૂનમે કે બીજા પવિત્ર તેહવારો ના સમયે આ તીર્થ માં ગૌરવ સમા મલ્લ્હારાવ ઘાટ ના ભવ્ય કિનારા પર હજારો યાત્રિકો ને સ્નાન કરતા કે કર્મકાંડ કરાવતા નિહાળવા એ પણ એક અનેરો લહાવો બની રહે છે.
મલ્લ્હારાવ ના ભવ્ય કિનારા થી મૈયાજી ના દક્ષિણ અને ઉત્તર તટો ની સફરે જતા યાત્રિકો ની અવરજવર આ સ્થળ ની મહત્તા ને વિશેષ ગૌરવાન્વિત કરે છે. ચાંદોદ તીર્થ ની પૂર્વ અને પશ્ચિમ બાજુએ ઉભયતટે પથરાયેલ પવિત્ર ધામો ની મુલાકાત લેવાનું કયાં યાત્રિકોએ નહિ વિચાર્યું હોય ! ચાંદોદ માં પ્રવેશ કરનાર યાત્રિક કે પ્રવાસી મૈયાજી ની ગોદ માં રહી ને સફર કર્યા નો અદભુત આનંદ મેળવ્યા વિના રહી શકતો નથી.
ચાંદોદ ની પૂર્વ બાજુએ કરનાળી, કુબેરભંડારી, મોરલી સંગમ, હંસારૂઢ્જી, નાની મોટી પનોતી, અને ગરુડેશ્વર તથા પશ્ચિમ બાજુએ ગંગનાથ, બદ્રિકાશ્રમ, વ્યાસેશ્વર, શુક્ર્દેવ, અનસુયાજી, શિનોર અને માલસર જેવા પ્રાચીન અર્વાચીન નયન રમ્ય સ્થળો આવેલા છે.
નર્મદાના તીરે અનેક તીર્થોની પુણ્યભૂમિ ડભોઈથી 25 કિ.મી. સીનોરના માર્ગે આવેલું ચાણોદ તીર્થક્ષેત્ર પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે.
ગામ વીંધીને મલ્હારરાવ ઘાટ પાસે પહોંચતાં જ મથુરાના ચોબા કે હરદ્વારની હરકીપેડીની માફક બ્રાહ્મણો શ્રાદ્ધકર્મ માટે યાત્રાળુઓની પાછળ પડે છે. કેટલાક તો રતનપોળ કે લો ર્ગાડન-માણેકચોકના રાત્રીબજારોની માફક યાત્રાળુઓને ઢીલા કરી નાખે છે.
ચાણોદ તીર્થક્ષેત્ર ગુજરાતમાં જાણીતું હોઈ બસ- વ્યવહારની સગવડ સારી છે. પર્યટકો અને અન્ય યાત્રાળુઓની બસો મોટી સંખ્યામાં અહીં આવે છે. નદીકિનારે ઘાટ ઉપર લોકો શ્રાદ્ધવિધિ કરે છે.
ચાણોદ પણ કરનાળીની માફક ક્રાંતિવીરોની ભૂમિ રહી છે.
અહીંનાં મંદિરો અને આશ્રમોમાં ભારત દેશને ગુલામીની જંજીરમાંથી મુકત કરાવવા મોતને મુઠ્ઠીમાં લઈ અંગ્રેજોને હંફાવનારા ક્રાંતિકારોનો ઇતિહાસ સાંભળવા મળે છે.
અભ્યાસક્રમમાં કયાંય નહીં આવતો આ ઇતિહાસ સાંભળી લાગે કે વિશ્વના ઈતિહાસ અને ભૂગોળનું ભણતર ભણેલા આપણે આપણી આસપાસના ઈતિહાસ-ભૂગોળથી કેટલા બેખબર છીએ !
ચાણોદ ગામ મોટું છે. પંદરેક હજારની વસ્તી ધરાવતું ગામ પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ છે. ગામની બાંધણી અને મકાનો જોતાં ભતૂકાળ ભવ્ય હશે તેવું લાગે. જૂનાં મકાનોમાં લાકડાની કોતરણીવાળા ઝરૂખા જોવા મળે છે. બજારમાંના તમામ રહેણાંક મકાનોમાં આગળના ભાગે દુકાન ઉતારેલી જોવા મળી. આ ક્ષેત્રમાં અનેક મંદિરો આવેલાં છે, જેનું પૌરાણિક મહત્ત્વ ઈતિહાસ છે.